સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લાલગેટ પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના લાલગેટ વિસ્તારમાં જાહેરમાં નશાકારક પદાર્થનું વેચાણ કરતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
શૌચાલય પાસે MD ડ્રગ્સનું વેચાણ
મળતી વિગતો અનુસાર, આરોપી અરબાઝ ઈસ્માઈલ શેખ મહાનગરપાલિકાના ટોયલેટ (શૌચાલય) પાસે ઉભો રહીને MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હતો. લાલગેટ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને તેને આંતર્યો હતો. તેની તલાશી લેતા પોલીસને તેની પાસેથી 50.40 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જે પોલીસે જપ્ત કર્યું છે.
તપાસમાં ખૂલ્યા મોટા નામ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે આ ડ્રગ્સનો જથ્થો આદિલ ઉર્ફે મસાલા નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. પોતાના અંગત આર્થિક લાભ માટે તે આ ગેરકાયદેસર નશાના પદાર્થનું વેચાણ કરતો હતો.
એક દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી અરબાઝના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને 'આદિલ મસાલા' ક્યાં છુપાયેલો છે.
આ પણ વાંચો: Ankleshwar: રસ્તો ક્રોસ કરતી બાળકી ક્રેન નીચે કચડાઈ, અકસ્માત સર્જી ચાલક વાહન છોડી ફરાર