સુરત શહેરના લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત SOG પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન શુદ્ધિ' અંતર્ગત વર્ષ 2025 અને 26 દરમિયાન ખાણી-પીણીના બજારોમાં સપાટો બોલાવી નકલી પનીર અને ઘીનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
આંકડાકીય વિગતો
ઓપરેશન શુદ્ધિ હેઠળ પોલીસે અત્યાર સુધીમાં આશરે 3,800 કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂપિયા 9 લાખ થાય છે. જ્યારે 9,000 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. જેની કિંમત રૂપિયા 67 લાખ થાય છે.
નવા નિયમો અને ગાઈડલાઈન
ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. હવેથી દરેક ખાણી-પીણીની જગ્યાએ પનીર વિશે મોટા અક્ષરે ડિસ્પ્લે બોર્ડ મારવું ફરજિયાત છે. વેપારીએ સ્પષ્ટતા કરવી પડશે કે, વાનગીમાં વપરાયેલું પનીર એનાલોગ પનીર (પામ ઓઈલમાંથી બનેલું) છે કે પછી શુદ્ધ દૂધનું પનીર.
કાયદેસરની કડક કાર્યવાહી
સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો કોઈ વેપારી છેતરપિંડી કરશે અથવા નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કડક કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાશે. જે વેપારી વારંવાર આવા ગુનામાં પકડાશે તેની સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી જેલભેગા કરવામાં આવશે.
ગ્રાહકો માટે અપીલ
તંત્ર દ્વારા ગ્રાહકોને પણ જાગૃત બનવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ રેસ્ટોરન્ટ કે લારી પર જતી વખતે ચેક કરવું કે ત્યાં પનીરની ગુણવત્તા અંગેનું બોર્ડ લાગેલું છે કે નહીં. લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારાઓને પકડવા માટે પોલીસ અને ફૂડ વિભાગ સતત કાર્યરત છે.
આ પણ વાંચો - Suratમાં વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા કાપડના વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ