સુરત મહાનગરપાલિકા સંચાલિત કતારગામની સુમન શાળાને તેના મૂળ સ્થાનેથી ખસેડવાના નિર્ણય સામે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 7 માં આવેલી આ શાળાને વોર્ડ નંબર 8 માં ખસેડવામાં આવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને છેલ્લા બે દિવસથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ બહાર ધરણાં પર બેઠા છે. 'આપ' ના કોર્પોરેટરોનો આક્ષેપ છે કે ભાજપના મળતિયાઓ અને બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જાણીજોઈને શાળાની કિંમતી જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે, આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર અપાઈ ગયા બાદ અચાનક સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ભ્રષ્ટાચારની શંકા વધુ પ્રબળ બની છે.

શાળા ખસેડતા હોબાળો

આ વિવાદમાં માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ શાસક પક્ષ ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના જ એક કોર્પોરેટરે આ નિર્ણય વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. શિક્ષણવિદ્ ડૉ. કિશોરના જણાવ્યા અનુસાર, શાળા દૂર જવાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડશે. વિરોધ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે અને બાળકોના હિતમાં યોગ્ય ફેંસલો નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હાલમાં આ જમીન વિવાદે સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે.