સુરત ક્રાઇમ બ્રાન્ચને વાહન ચોરીના ગુનાઓમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરીના તરખાટ મચાવનાર કુખ્યાત 'ચૌગડ ગેંગ' ના રીઢા આરોપીને પોલીસે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી દબોચી લીધો છે. રીતેશ નસરિયા ચૌગડ નામનો આ આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.
આંતરરાજ્ય વાહન ચોરીના નેટવર્કનો આરોપી ઝડપાયો
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રીતેશ ચૌગડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રીતેશ અલીરાજપુરની કુખ્યાત 'ચૌગડ ગેંગ'નો સક્રિય સાગરિત છે, જે આંતરરાજ્ય વાહન ચોરીના નેટવર્ક સાથે જોડાયેલી છે.
ચોરીની મોડસ ઓપરેન્ડી
આરોપી રીતેશ અને તેની ગેંગ અત્યંત ચાલાકીથી વાહનોની ચોરી કરતા હતા. સુરત પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીએ સુરતના સચિન અને પાંડેસરા જેવા ગીચ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. તે ખાસ કરીને ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને પલકવારમાં મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ જતો હતો.સુરતમાંથી જ તેણે અત્યાર સુધીમાં 6 બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી છે.
કુલ 13 ગુનાઓનો ભેદ ઉકેલાયો
આરોપીની ધરપકડ સાથે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં નોંધાયેલા વાહન ચોરીના કુલ 13 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ચોરી કરેલા વાહનો કોને વેચવામાં આવતા હતા અને આ ગેંગમાં અન્ય કેટલા સાગરિતો સામેલ છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Chhota Udepur: બાળમજૂરી અને બેદરકારીએ લીધો જીવ, સુસ્કાલ ગામે સગીરના મોતથી હોબાળો