રાજ્યમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા માદક પદાર્થોની હેરાફેરીનું એક મોટું નેટવર્ક ઝડપી લેવામાં આવ્યું છે. સુરતના કડોદરા ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પરથી LCB એ એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ચોર ખાનું મળી આવ્યું હતું, જેમાં કરોડોની કિંમતનો પોસડોડાનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

કન્ટેનરમાં બનાવેલું હતું ખાસ 'ચોર ખાનું'

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બુટલેગરોએ પોલીસને છેતરવા માટે કન્ટેનર ટ્રકમાં ખાસ પ્રકારનું ગુપ્ત ખાનું (ચોર ખાનું) બનાવ્યું હતું. આ ખાનામાંથી LCB દ્વારા કુલ 1034.435 કિલોગ્રામ પોસડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1,55,16,525 આંકવામાં આવી છે.

મધ્યપ્રદેશથી ગુજરાતમાં થતી હતી સપ્લાય

પોલીસે આ મામલે ટ્રકના ચાલક અને ક્લીનરની સ્થળ પરથી ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે, તેઓ આ માદક પદાર્થનો જથ્થો મધ્યપ્રદેશથી લઈને ગુજરાતમાં ઘુસાડવા જઈ રહ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી ટ્રક અને મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://www.instagram.com/reel/DUpn-ASCM9f/


મોટા માથાઓની શોધખોળ શરૂ

સુરત LCB એ આ કેસમાં માત્ર વાહક જ નહીં પરંતુ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે કમર કસી છે. પોલીસે માલ મોકલનાર અને માલ મંગાવનાર મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે. આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ ક્યાં સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Surat News : સુરત એરપોર્ટ પરથી ગાંજો મળવાનો કેસ, ફ્લાઇટના ક્રૂ મેમ્બર, સફાઇકર્મીઓની પૂછપરછ કરાશે