સુરત શહેરમાં ખાસ કરીને શ્રમિક અને રાત્રિ દરમિયાન અવરજવર કરતા લોકો પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી લેતી ગેંગ અને અસામાજિક તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સચિન GIDC પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ ઓપરેશન દરમિયાન, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતા મોબાઇલ સ્નેચિંગના એક કુખ્યાત અને રીઢા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

ચોરીના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપાયો

સચિન GIDC પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને જમીલ તૈલી નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસે જ્યારે તેની આગવી ઢબે પૂછપરછ કરી અને તલાશી લીધી, ત્યારે તેની પાસેથી ચોરીના અલગ-અલગ બ્રાન્ડના 3 કિંમતી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્નેચિંગની ઘટનાઓમાં ગુનાહિત હેતુ માટે ઉપયોગમાં લેવાતી 1 મોટરસાયકલ (બાઇક) પણ પોલીસે કબજે કરી છે. પોલીસે જપ્ત કરેલા મોબાઇલ અને બાઇક સહિતના આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 97,000/- આંકવામાં આવી છે.

અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે આરોપી

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલો આરોપી જમીલ તૈલી કોઈ નવો ગુનેગાર નથી, પરંતુ મોબાઇલ સ્નેચિંગ અને ચોરીનો રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ સુરતના જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લૂંટ, સ્નેચિંગ અને વાહન ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલો છે. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરી સચિન GIDC વિસ્તારમાં સક્રિય થયો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આ ચોરેલા ફોન તે કોને વેચવાનો હતો તે દિશામાં વધુ તપાસ લંબાવી છે.

આ પણ વાંચો: Vadodara: ગેસ સિલિન્ડરના ભાવ વધતાં શરૂ કરી ચોરી, ક્રાઇમ બ્રાન્ચે શાતિર ગઠિયાને દબોચ્યો