સામાન્ય રીતે વાહન ચોરો કે ઘરફોડ ચોરી કરનારાઓ કિંમતી દાગીના કે રોકડ પર હાથ સાફ કરતા હોય છે, પરંતુ વડોદરામાં એક એવો ચોર ઝડપાયો છે જેણે મોંઘવારીનો ફાયદો ઉઠાવી ગેસ સિલિન્ડર ચોરવાનું વ્યવસ્થિત નેટવર્ક શરૂ કર્યું હતું. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગેસ સિલિન્ડરની ચોરી કરતા રીઢા ગુનેગાર અનિલ મહિડાની ધરપકડ કરી લીધી છે.
વાહન ચોરીથી કરતો શરૂઆત
પોલીસ પૂછપરછમાં આરોપી અનિલની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) બહાર આવી છે. આરોપી પહેલા વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાંથી પાર્ક કરેલી મોપેડ (ટુ-વ્હીલર) ની ચોરી કરતો હતો. ત્યારબાદ, પોલીસ પકડથી બચવા માટે તે ચોરીના જ મોપેડનો ઉપયોગ કરતો અને રહેણાંક સોસાયટીઓ કે ઘરની બહાર રાખેલા રાંધણ ગેસના સિલિન્ડરોની ઉઠાંતરી કરી લેતો હતો.
ચોરેલા બાટલા હોટેલોમાં વેચી મારતો
બજારમાં ગેસ સિલિન્ડરના ભાવ વધુ હોવાથી, આરોપી અનિલ આ ચોરેલા ગેસ સિલિન્ડરો સ્થાનિક નાની-મોટી હોટેલો અને ખાણીપીણીની લારીવાળાઓને સસ્તા કે અડધા ભાવે રોકડેથી વેચી મારતો હતો. હોટેલ સંચાલકો પણ સસ્તા ભાવની લાલચમાં કોઈ પણ પુરાવા વગર આ બાટલા ખરીદી લેતા હતા.ક્રાઇમ બ્રાન્ચે અનિલ મહિડાને ઝડપી પાડી તેની પાસેથી ૨ ચોરેલી મોપેડ અને ૫ નંગ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ધરપકડ સાથે જ વડોદરા પોલીસે અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા વાહન ચોરી અને સિલિન્ડર ચોરીના કુલ ૭ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે કયા હોટેલ સંચાલકો આ ચોરીનો માલ ખરીદતા હતા, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: World News: માઉન્ટેન હોમ એરબેઝ પર હવામાં બે નેવી ફાઇટર જેટ્સ એકબીજા સાથે અથડાયા, જુઓ કઈ રીતે ક્રૂ મેમ્બર્સનો જીવ બચ્યો