અમેરિકાના ઇડાહો રાજ્યમાં બોઇસના દક્ષિણપૂર્વમાં સ્થિત માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝ ખાતે રવિવારે એક મોટી વિમાની દુર્ઘટના સર્જાઈ છે. અહીં ચાલી રહેલા પ્રખ્યાત 'ગનફાઇટર સ્કાઇઝ એર શો' (Gunfighter Skies Air Show) ના બીજા દિવસે હવામાં કરતબો બતાવતી વખતે અમેરિકન નેવીના બે શક્તિશાળી ફાઇટર જેટ્સ એકબીજા સાથે અત્યંત નજીક આવી જતાં હવામાં જ અથડાયા હતા. આ ભયાનક અકસ્માત બાદ તરત જ માઉન્ટેન હોમ એરફોર્સ બેઝને સુરક્ષાના કારણોસર લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું.
હવામાં ટક્કર અને ભયાનક વિસ્ફોટ
ઉડ્ડયન સૂત્રો અને સાક્ષીઓ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને ફાઇટર જેટ્સ આકાશમાં એકબીજાની ખૂબ જ નજીક ઉડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સંતુલન બગડતા બંને વિમાનો હવામાં એકબીજા સાથે ભટકાયા હતા. ટક્કર થતાં જ આકાશમાં તણખા ઉડ્યા હતા અને બંને જેટ ભારે વિસ્ફોટ સાથે રનવે પર આવીને પટકાયા હતા. જમીન પર અથડાતાની સાથે જ ત્યાં આગનો મોટો ગોળો અને કાળા ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા વિમાનોમાં નેવીના બોઇંગ F/A-18E/F સુપર હોર્નેટ અને બોઇંગ EA-18G ગ્રોલર ફાઇટર જેટનો સમાવેશ થાય છે.
એજેક્શન સીટની મદદથી 4 ક્રૂ મેમ્બર્સનો બચાવ
આ ભયાનક અકસ્માત વચ્ચે સૌથી રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે વિમાનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન જમીન પર પટકાઈને રાખ થાય તે પહેલા જ પાયલોટોએ સમયસૂચકતા વાપરીને એજેક્શન સીટ દબાવી દીધી હતી. હવામાં ચાર પેરાશૂટ સફળતાપૂર્વક નીચે ઉતરતા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે તમામ ક્રૂ મેમ્બર્સ વિમાન ક્રેશ થાય તે પૂર્વે જ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
એર શો સત્તાવાર રીતે રદ
આ ગંભીર હોનારતને પગલે રવિવારે બપોરે આશરે ૧:૨૦ વાગ્યે, માઉન્ટેન હોમ પોલીસ વિભાગ દ્વારા જાહેર જનતાને સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે સુરક્ષાના કારણોસર આ એર શોના આગળના તમામ કાર્યક્રમો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. આ એર શો આસપાસના વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય જાહેર ઉડ્ડયન કાર્યક્રમ છે, પરંતુ આ દુર્ઘટનાને કારણે ભારે આઘાતનો માહોલ છે. યુએસ મિલિટરી દ્વારા આ અકસ્માત કયા કારણે સર્જાયો તેની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે.
આ પણ વાંચો:Gujarat News: ફાર્મસી કૉલેજોની તપાસનો અધિકાર PCI પાસે, રાજ્યોને પુન:નિરીક્ષણ ન કરવા આદેશ