ચોકબજાર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી શૈવિન પુંભડિયાની ધરપકડ કરી છે. આ આરોપી સાયબર ગુનેગારોને પોતાના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને ભાડે આપતો હતો. આ એકાઉન્ટ્સનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.


કરોડોના ટ્રાન્ઝેક્શન અને 4 રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના અંદાજે ₹3.80 કરોડ જમા થયા હતા. આ નાણાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને તેલંગણા જેવા રાજ્યોમાં આચરેલા સાયબર ફ્રોડના હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે શૈવિન એક વર્ષ પહેલા નવી દિલ્હી સાયબર સેલ દ્વારા પણ પકડાયો હતો, પરંતુ તે ફરીથી આ ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થયો હતો.

મધ્યપ્રદેશ પોલીસને સોંપાશે કબજો

આરોપી વિરુદ્ધ પાંચ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. હાલમાં ચોકબજાર પોલીસે આ શખ્સની અટકાયત કરી છે અને મધ્યપ્રદેશમાં તેની સામે નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને તેનો કબજો મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો સુધી પહોંચવામાં પોલીસને મોટી મદદ મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: