સુરત શહેરના શાંત ગણાતા અલથાણ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત મોડી રાત્રે તસ્કરોએ એક મેડિકલ સ્ટોરને નિશાન બનાવીને હજારોની રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. સમગ્ર ઘટનાની વિગતો મુજબ, અલથાણ વિસ્તારમાં આવેલી ‘હરિઓમ મેડિકલ એન્ડ ફાર્મસી’ માં ચોરીની ઘટના બની છે.


શટર તોડી અંદર પ્રવેશ્યા ત્રણ અજાણ્યા શખ્સો

મોડી રાત્રે જ્યારે બજાર સૂમસામ હતું, ત્યારે ત્રણ અજાણ્યા ઈસમોએ આ મેડિકલ સ્ટોરના શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં ઘૂસીને કાઉન્ટર તેમજ ગલ્લામાં રાખેલી અંદાજે રૂપિયા 50,000ની રોકડ રકમ ચોરી લીધી હતી. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ત્રણ શખ્સો ચોરી કરતા સ્પષ્ટ નજરે પડે છે.

પોલીસે CCTV ના આધારે તપાસ તેજ કરી

સવારના સમયે જ્યારે હરિઓમ મેડિકલ એન્ડ ફાર્મસી દુકાન માલિક આવ્યા ત્યારે ચોરીની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દુકાન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વેપારીઓમાં ચિંતાનો માહોલ

રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર ગણાતા અલથાણમાં મેડિકલ સ્ટોર જેવી જાહેર જગ્યાએ શટર તોડીને થયેલી આ ચોરીથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલમાં પોલીસ CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરાર તસ્કરોને પકડવા માટેના પ્રયાસો કરી રહી છે.


આ પણ વાંચો - Surat : તમારા મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને માહિતી આપો: હર્ષ સંઘવી



  • Follow us on: