સુરતના સલાબતપુરા વિસ્તારમાં કાપડના વેપારીઓને ડરાવી-ધમકાવી હપ્તો ઉઘરાવતી ટોળકીનો આતંક સામે આવ્યો છે. ભાઠેના વિસ્તારના માથાભારે શખ્સ શિવરાજસિંહ ઝાલા અને તેની ટોળકીએ એક વેપારી પાસે હપ્તાની માંગણી કરી ₹1.20 લાખ પડાવી લીધા હતા. જોકે, સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

હપ્તાની માંગ અને ધમકી

મળતી માહિતી મુજબ, શિવરાજસિંહ ઝાલા અને તેના ભાઈ રામ ઝાલા સહિત અન્ય ત્રણ સાગરીતોએ વેપારીને આંતરીને ધમકી આપી હતી કે, "જો અહીં કાપડનો ધંધો કરવો હોય તો દર મહિને ₹50,000 નો હપ્તો આપવો પડશે." આરોપીઓએ વેપારીને ચાકુ બતાવી ડરાવ્યો હતો અને અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે ₹1.20 લાખ વસૂલ્યા હતા. એટલું જ નહીં, જો વેપારી પોલીસમાં જશે તો તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

શિવરાજસિંહ ઝાલા સુરત પોલીસના ચોપડે જાણીતું નામ છે. અગાઉ સુરત SOG પોલીસે તેની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. તે સમયે આરોપી પોલીસની હિલચાલ પર નજર રાખવા માટે પોતાના ઘરની બહાર 50 થી વધુ CCTV કેમેરા લગાવીને બેઠો હતો, તેમ છતાં પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી હતી. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો.

પોલીસ કાર્યવાહી

વેપારીની હિંમત અને સલાબતપુરા પોલીસની સતર્કતાને કારણે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે શિવરાજસિંહ ઝાલા, રામ ઝાલા અને અન્ય સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય આરોપી શિવરાજસિંહની ધરપકડ કરી છે. હાલ પોલીસ અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ ચલાવી રહી છે અને આરોપી વિરુદ્ધ કડક ચાર્જશીટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodara: શિનોર હનીટ્રેપ કૌભાંડમાં 28 લાખ રિકવર થયા પણ મુખ્ય સૂત્રધાર હજુ ગાયબ, પોલીસ તપાસ સામે ઉઠ્યા ગંભીર સવાલો