વડોદરાના શિનોર વિસ્તારમાં ચર્ચાસ્પદ બનેલા ₹75.75 લાખના હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કૌભાંડને ત્રણ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, પોલીસ હજુ સુધી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી. જોકે, અત્યાર સુધીની તપાસમાં પોલીસે લાખોનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે.

મુખ્ય આરોપી મનીષા હજુ પોલીસથી દૂર

આ સમગ્ર હનીટ્રેપ કૌભાંડની માસ્ટરમાઇન્ડ ગણાતી મનીષા ઉર્ફે શાંતા વસાવા (રહે. રાજપારડી) હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પોલીસ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવા છતાં, મુખ્ય આરોપી પોલીસને થાપ આપીને નાસતી ફરે છે. આટલી મોટી રકમની બ્લેકમેઇલિંગના કેસમાં મુખ્ય આરોપી ન પકડાતા પોલીસની કાર્યક્ષમતા પર શંકાની સોય સેવાઈ રહી છે.

28.68 લાખનો મુદ્દામાલ રિકવર

બ્લેકમેઇલિંગ દ્વારા પચાવી પાડેલા કુલ ₹75.75 લાખમાંથી પોલીસે અત્યાર સુધીમાં ₹28.68 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ કેસમાં અગાઉ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓ વેપારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા હતા.

શિનોરમાં ચર્ચાનો વિષય

શિનોર તાલુકામાં આ કેસને લઈને ભારે ચર્ચા જાગી છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે મુખ્ય આરોપીને કોઈ રાજકીય કે અન્ય પીઠબળ મળી રહ્યું છે કે કેમ? કારણ કે ત્રણ-ત્રણ મહિના સુધી મુખ્ય આરોપી પોલીસને ન મળે તે વાત પચાવવી મુશ્કેલ છે. હાલમાં સ્થાનિકોમાં પોલીસ પ્રશાસન સામે આક્રોશ અને અવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Narmada: રાજપીપળા સિવિલના યુવા તબીબનું રહસ્યમય મોત, તબીબી આલમમાં ખળભળાટ