સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરને ટ્રાફિકમુક્ત અને સ્વચ્છ બનાવવા માટે દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે સુરત શહેરના વ્યસ્ત ગણાતા ભટાર ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર પાલિકાની ટીમે ત્રાટકી કડક કાર્યવાહી હાથ ધરી હતી. લાંબા સમયથી જામી ગયેલા લારી-ગલ્લા અને પથારાવાળાઓના દબાણ દૂર કરાતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.


દબાણ વિભાગની કડક કાર્યવાહી

સુરત શહેરના ભટાર વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ લારી-ગલ્લા અને પથારાવાળાઓએ અડીંગો જમાવી દીધો હતો. સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ જ્યારે જેસીબી અને ટ્રકો સાથે ઘટના સ્થળે પહોંચી ત્યારે દબાણકર્તાઓમાં ભારે દોડધામ જોવા મળી હતી. આ ઓપરેશન દરમિયાન ટીમે ગેરકાયદે ઉભી રહેલી લારીઓ અને પાથરણાં હટાવી 4 જેટલી ટ્રકો ભરીને માલ-સામાન જપ્ત કર્યો હતો.

ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહ

સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ હતી કે, સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે ગેરકાયદે દબાણોને કારણે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. સુરત મહાનગરપાલિકાની આ ઝુંબેશને કારણે હવે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.




તંત્રની બેદરકારી પર સવાલ

જોકે, સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, સુરત મહાનગરપાલિકાની અગાઉની બેદરકારીને કારણે જ આ વિસ્તારમાં દબાણકર્તાઓએ પગપેસારો કર્યો હતો. વારંવારની કાર્યવાહી છતાં થોડા દિવસોમાં ફરી દબાણો થઈ જતા હોય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સુરત મહાનગરપાલિકા આ વિસ્તારને કાયમી ધોરણે દબાણમુક્ત રાખી શકે છે કે નહીં.


આ પણ વાંચો -  Surat News : સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ


  • Follow us on: