દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરના વિકાસનો નવો રોડમેપ તૈયાર કરવા માટે આજે સુરત મહાનગરપાલિકાની મહત્વની સામાન્ય સભા યોજાશે. સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા રૂપિયા 10,593 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિએ રૂપિયા 708 કરોડનો વધારો ઝીંકીને કુલ રૂપિયા 11,301 કરોડનું ઐતિહાસિક બજેટ મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કર્યું છે.


સવારે 10 વાગ્યાથી શરૂઆત

આજે સવારે 10 વાગ્યાથી પાલિકાના સભાખંડમાં આ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થશે. જેમાં શાસક પક્ષ અને વિપક્ષના તમામ સભ્યો ભાગ લેશે. આગામી વર્ષ પાલિકાની ચૂંટણીનું વર્ષ હોવાથી આ બજેટ સત્ર રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. બે દિવસ સુધી ચાલનારી આ ચર્ચામાં સુરતના આંતરમાળખાકીય વિકાસ, પરિવહન અને શિક્ષણ જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહેશે.

વિપક્ષ દ્વારા હોબાળાની શક્યતા

સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે શાસકોને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને ટેક્સના અમલીકરણ, અધૂરા પ્રોજેક્ટ્સ અને ચોક્કસ વિસ્તારોમાં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ બાબતે વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી શકે છે. સભામાં હોબાળો થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી છે.

બજેટની મુખ્ય વિશેષતાઓ

  • વેરામાં રાહત: વિધવા મહિલાઓને મિલકત વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની દરખાસ્ત
  • સિનિયર સિટીઝન: સિટી બસ અને BRTS માં મફત મુસાફરીની ભેટ
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ફ્લાયઓવર બ્રિજ અને નવા રસ્તાઓ માટે કરોડોની ફાળવણી
  • વોકલ ફોર લોકલ: મહિલા કારીગરો માટે 'સુરતી હાટ બજાર'ની સ્થાપના

શહેરના સર્વાંગી વિકાસ માટે શાસક પક્ષ આ બજેટને 'સુરતીઓનું હિત' ગણાવી રહ્યો છે, જ્યારે વિપક્ષ તેને માત્ર 'ચૂંટણીલક્ષી લોલીપોપ' ગણાવી ટીકા કરી રહ્યો છે.


આ પણ વાંચો - Suratની મુલાકાતે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ ભરતી મુદ્દે આપી ન્યાયની ખાતરી


  • Follow us on: