મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે શહેરના સરગમ શોપિંગ સેન્ટર પાછળ આવેલા પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. જોકે, મંદિરના પ્રાંગણમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ પર અત્યંત મહત્વનું નિવેદન આપ્યું હતું.
પોલીસ ભરતી મુદ્દે DyCM હર્ષ સંઘવીનું નિવેદન
પોલીસ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને નાપાસ જાહેર કરવાના ગંભીર આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે આ મામલાની ગંભીરતાને જોતા ભરતી પ્રક્રિયાની તમામ સંબંધિત ફાઈલો તાત્કાલિક ધોરણે તપાસ માટે મંગાવી લેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે જો ભરતીમાં કોઈ પણ સ્તરે ક્ષતિ કે અન્યાય થયો હશે, તો તેની ઊંડી તપાસ કરવામાં આવશે.













