સુરત મનપાના મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી મુદ્દે હવે અંતિમ ઘડીઓ શરૂ થઈ ગઈ છે.પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની 8 મેના રોજ યોજાનારી મહત્ત્વપૂર્ણ બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.પહેલા 7મીના ગુરુવારની જગ્યાએ સુરતનો વારો હવે શુક્રવારે આવશે.આ બેઠકમાં શહેરના ધારાસભ્યો,સાંસદો,શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહી સંકલિત રીતે મંતવ્ય રજૂ કરશે.પ્રદેશ સ્તરે અગાઉ નિયુક્ત નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયા અને સંકલન બેઠકના આધારે તૈયાર કરાયેલા નામોની પેનલ પર પાર્લામેન્ટ્રી બોર્ડમાં વિસ્તૃત મનોમંથન થશે.
પાંચ-પાંચ નામોની યાદી તૈયાર કરવામાં આવશે
દરેક પદ માટે પાંચ-પાંચ નામોની યાદી તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.સૂત્રો અનુસાર ઠક પહેલા શહેર પ્રભારી કનુ દેસાઈના નિવાસસ્થાને સંકલન બેઠક પણ યોજાઈ શકે છે.જેમાં અંતિમ સહમતી માટે પ્રયાસ થશે.રાજ્યભરમાં જીતેલી નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓની પસંદગી માટે ચાલી રહેલી પ્રક્રિયાના ભાગરૂપે સુરતનો નિર્ણય પણ આ જ દિવસે જાહેર થવાની સંભાવના છે.રાજકીય રીતે સૌથી રસપ્રદ મુદ્દો સામાજિક સમીકરણોનો બની રહેશે.પાંચ પદ માટે સુરતી, સૌરાષ્ટ્રવાસી, પરપ્રાંતીય સમાજ પૈકી કોને વધુ પ્રતિનિધિત્વ મળશે એ અંગે તેજ અટકળો ચાલી રહી છે. 8 મેની બેઠક સુરતના રાજકીય સમીકરણોને નવી દિશા આપનાર બની શકે છે.
