કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતો અને સુગર મિલોની આર્થિક સ્થિતિ કથળવાની ભીતિ સેવાઈ રહી છે. સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકે ખેડૂતોની વેદના વાચા આપતા સરકારને આ નિર્ણયની સમીક્ષા કરવા અને ખેડૂતોને પૂરતું વળતર મળે તેવા પગલાં લેવા રજૂઆત કરી છે.
ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો
દર્શન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં બિયારણ, ખાતર અને ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે, જેના કારણે શેરડીનો ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. બીજી તરફ, શેરડીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. આવા સમયે જો સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે, તો સહકારી સંસ્થાઓમાં ખાંડનો ભરાવો થશે અને સંસ્થાઓ પર વ્યાજનું ભારણ વધશે, જેનો સીધો ફટકો ખેડૂતોને મળતા ભાવ પર પડશે.
