દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા પૈકીની એક એવી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સુરત કલેક્ટરે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 25 મેથી આ પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થશે અને 15 જુલાઈએ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ
કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, આગામી ૨૫ મેથી ફોર્મ ભરવા અને અન્ય ચૂંટણીલક્ષી વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવશે. 15 જુલાઈના રોજ ડેરીના સભાસદો અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવા શાસકોની પસંદગી કરશે. અગાઉ આ ચૂંટણીને લઈને અનેક વિવાદો સર્જાયા હતા, જે મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.
મેન્ડેટનું કરવું પડશે પાલન
સુમુલ ડેરી પર વર્ચસ્વ જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ કમર કસી લીધી છે. પક્ષ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સત્તાવાર મેન્ડેટ આપશે. જો કોઈ પણ સભ્ય કે નેતા પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવશે અથવા બળવો કરશે, તો તેમની સામે તાત્કાલિક અસરથી શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે. આ જાહેરાતથી ટિકિટ વાંચ્છુઓમાં દોડધામ મચી ગઈ છે.
સહકારી ક્ષેત્રમાં ગરમાવો
સુમુલ ડેરીની આ ચૂંટણી માત્ર એક સંસ્થાની ચૂંટણી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય વર્ચસ્વની લડાઈ છે. પશુપાલકો અને ખેડૂતોના હિત સાથે જોડાયેલી આ સંસ્થામાં કોણ સત્તા મેળવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થતા જ રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનશે.
આ પણ વાંચો: Bhavnagar: સામાન્ય બોલાચાલીમાં તલવારો અને પથ્થરો ઉછળ્યા, બે પરિવારો સામસામે આવી જતાં અફરાતફરી