કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, અને આ વાત સુરત પી.સી.બી. (PCB) પોલીસે સાબિત કરી બતાવી છે. વર્ષ 2011માં કામરેજ વિસ્તારમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા અને પોલીસની આંખમાં ધૂળ નાખી 15 વર્ષથી નાસતા-ફરતા કુખ્યાત આરોપી રાજકુમાર પટેલને પોલીસે તમિલનાડુથી દબોચી લીધો છે.
સુર PCB પોલીસની કાર્યવાહી
ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2011માં સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો. આરોપી રાજકુમાર પટેલે તેની સાથે કામ કરતા એક સહકર્મચારીની કરપીણ હત્યા કરી હતી. આ જઘન્ય અપરાધ આચર્યા બાદ આરોપી પોલીસની ધરપકડથી બચવા માટે રાજ્ય છોડીને ભાગી ગયો હતો.
10 હજારનું ઇનામ અને પોલીસની વોચ
આરોપી લાંબા સમય સુધી પોલીસના હાથે ન લાગતા, સુરત જિલ્લા પોલીસ દ્વારા તેને પકડવા માટે ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત પી.સી.બી.ની ટીમ સતત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ મામલે તપાસ કરી રહી હતી.
તમિલનાડુમાં છુપાયો હતો આરોપી
ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાજકુમાર પટેલ પોતાની ઓળખ છુપાવીને દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં રહી રહ્યો છે. બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે ત્યાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. ૧૫ વર્ષ બાદ હત્યારો ઝડપાતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: બાવળાના રામનગર પાટિયા પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું કરૂણ મોત