સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. અમરોલીના કોસાડ આવાસના H-1 બિલ્ડિંગમાં જૂની અદાવતને લઈને થયેલી બબાલમાં ત્રણ લોકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા અમરોલી પોલીસે આતંક મચાવનાર 8 આરોપીઓને દબોચી લીધા છે.
સુરત અમરોલીમાં આતંકનો અંત
મળતી માહિતી મુજબ, કોસાડ આવાસમાં રહેતા કેટલાક શખ્સો અને બુટલેગરના માણસો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો વેર વાળવા માટે બુટલેગરના સાગરીતોએ H-1 બિલ્ડિંગમાં ધસી આવી આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ જોતજોતામાં ત્રણ વ્યક્તિઓ પર તીક્ષ્ણ હથિયાર (ચપ્પુ) વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
રહેવાસીઓમાં ફફડાટ
આવાસના બિલ્ડિંગમાં જાહેરમાં થયેલા આ લોહીયાળ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસ કાર્યવાહી
અમરોલી પોલીસે આ ગુનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અલગ-અલગ ટીમો બનાવીને પોલીસે આતંક મચાવવામાં સામેલ એવા કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ તપાસવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Surat: સુમુલ ડેરીનો પશુપાલકો માટે નિર્ણય, પશુપાલકોને હવે પ્રતિ કિલોફેટ રૂ.1020ની રકમ મળશે