સુરતમાં ખંડણી ઉઘરાવવાના કેસમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથીદાર સંપત ચૌધરી પર પોલીસે પાસા લગાવીને જેલભેગા કર્યા છે. આ કાર્યવાહીને પગલે સુરતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

દુકાનદારને ધમકાવીને ખંડણીની કરી હતી માંગણી

શ્રવણ જોશી પર આરોપ છે કે તેમણે સુરતના એક રેશનિંગ (સસ્તા અનાજ) ના દુકાનદારને ધમકાવીને ખંડણીની માંગણી કરી હતી. આ કેસમાં શ્રવણ જોશી વતી સંપત ચૌધરી ખંડણીના નાણાં લેવા ગયો હતો અને ત્યાં પકડાઈ ગયો હતો. બંને સામે ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સુરતની લાજપોર જેલમાં બંધ હતા.

જેલમાંથી છૂટતા જ ફરી અટકાયત

જ્યારે શ્રવણ જોશીના જામીન મંજૂર થયા અને તેઓ લાજપોર જેલમાંથી મુક્ત થવાના હતા, ત્યારે જ સુરત પોલીસ કમિશનરના આદેશથી તેમના પર પાસાનું વોરંટ બજાવવામાં આવ્યું હતું. જેલના દરવાજેથી જ પોલીસ બંને આરોપીઓને ફરી અટકાયતમાં લઈને અન્ય જેલમાં મોકલી આપ્યા છે.

કાયદાકીય કડક વલણ

સુરત પોલીસે સંદેશ આપ્યો છે કે રેશનિંગ દુકાનદારો કે સામાન્ય વેપારીઓને ડરાવી-ધમકાવી ખંડણી માંગનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય. અગાઉ પણ શ્રવણ જોશી વિવાદોમાં રહ્યા છે, પરંતુ આ વખતે પાસાની કાર્યવાહીથી તેમની મુશ્કેલીઓ અનેકગણી વધી ગઈ છે.


  • Follow us on: