સુરત શહેરમાં રસ્તાઓ અને બ્રિજ પર ભુવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હજુ તો ચોમાસાની જમાવટ બાકી છે તે પહેલાં જ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા અમરોલી અને કતારગામ વિસ્તારને જોડતા તાપી બ્રિજ પર એક મોટો ભુવો પડી ગયો છે. ધોળા દિવસે ધમધમતા બ્રિજ વચ્ચે ભુવો પડવાના કારણે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. સુરત મહાનગરપાલિકા (SMC) ની પ્રિ-મોન્સૂન કામગીરી અને બ્રિજના મેઇન્ટેનન્સ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
સુરતમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત
મળતી વિગતો અનુસાર, અમરોલી તાપી બ્રિજ પરથી રોજબરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો અને નોકરીયાત વર્ગ પસાર થાય છે. આ વ્યસ્ત બ્રિજ પર અચાનક ગાબડું પડીને ભુવો બની જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. ભુવો પડવાની આ ઘટના અંગે પાલિકા તંત્રને જાણ કરવામાં આવતા અધિકારીઓ દોડી તો આવ્યા હતા, પરંતુ ભુવાનું તાત્કાલિક કાયમી સમારકામ કરવાને બદલે માત્ર પ્લાસ્ટિકના બેરિકેડ મૂકીને આડશ કરી દેવામાં આવી છે. તંત્રની આ ઢીલી નીતિથી વાહનચાલકો ભારે ભય હેઠળ વાહન ચલાવવા મજબૂર બન્યા છે.










