સુરત શહેરમાં વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના સારોલી વિસ્તારમાં એક કાપડના વેપારી સાથે મહારાષ્ટ્રના પિતા-પુત્રની જોડીએ અંદાજે રૂપિયા 12.23 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

લાંબા સમય સુધી કેળવ્યો વિશ્વાસ

મહારાષ્ટ્રના પિતા-પુત્રએ આ છેતરપિંડી માટે વર્ષ 2021 થી 2025 દરમિયાન ખૂબ જ શાતિર રીતે પ્લાનિંગ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓએ સુરતના વેપારી પાસેથી 'પોલીસ્ટર ફિનિશ કાપડ'નો માલ ખરીદ્યો હતો અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવીને વેપારીનો અતૂટ વિશ્વાસ જીતી લીધો હતો.

પેમેન્ટ ચૂકવ્યા વગર થયા ફરાર

જ્યારે વેપારીને પિતા-પુત્ર પર પૂર્ણ વિશ્વાસ બેસી ગયો, ત્યારે આ જોડીએ રૂ. 12.23 લાખની કિંમતનો પોલીસ્ટર ફિનિશ કાપડનો મોટો જથ્થો ઉધારમાં મંગાવ્યો હતો. આ માલ મેળવ્યા બાદ પિતા-પુત્રએ તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને વેપારી સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. વેપારીએ વારંવાર ઉઘરાણી કરવા છતાં પેમેન્ટ ન મળતા અને પિતા-પુત્ર ગાયબ થઈ જતા અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

સારોલી પોલીસની તપાસ

આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. કાપડ બજારમાં આ ઘટનાને લઈને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Palanpur: હનુમાન ટેકરી વિસ્તારમાં 3 દિવસથી ગુમ મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી