સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બે બાઈક સવારો અને રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રી સહિત કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
એક જ પરિવારના બે સભ્યોનો માળો વિખેરાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, એક બાઈક પર પિતા, પત્ની અને પુત્રી સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં પિતા અને માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ દ્રશ્યો જોઈને ધ્રૂજી ઉઠ્યા હતા.
શ્રમિક મહિલાનું પણ મોત, અન્ય એક ગંભીર
ડમ્પરની અડફેટે માત્ર બાઈક સવારો જ નહીં, પરંતુ નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલી મહિલા શ્રમિકો પણ આવી ગઈ હતી. જેમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલા શ્રમિકની હાલત અત્યંત ગંભીર છે અને તે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે. અન્ય એક બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
પોલીસ કાર્યવાહી અને આક્રોશ
ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, લોકોનો આક્ષેપ છે કે આ માર્ગ પર ડમ્પર ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા છે, જેને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે.
આ પણ વાંચો---- Local Body Elections 2026 : મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિખેરાઈ, વિપક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો દાવો