સુરતમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારાઓ સામે સુરત ઇકો સેલે લાલ આંખ કરી છે. ઇકો સેલે 'ગેલેક્ષી ઇન્ફ્રાકોન' નામની પેઢીના ભાગીદાર પિન્કેશ પટેલની ધરપકડ કરી છે. આરોપીએ પોતાની પેઢીમાં રોકાણના બહાને લોકો પાસેથી ₹1.30 કરોડ ઉઘરાવ્યા હતા અને ત્યારબાદ તે રકમ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ પેઢીના કુલ સાત ભાગીદારો છે, જે પૈકી પિન્કેશ પટેલ મુખ્ય આરોપી તરીકે પોલીસ સકંજામાં આવ્યો છે.


વધારે વળતરની લાલચ પડી ભારે

નોંધનીય છે કે આ પેઢી સામે અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. અગાઉના કિસ્સામાં પણ રોકાણકારોના કુલ ₹3.22 કરોડ હડપ કરી જવાની ગંભીર ફરિયાદ થઈ હતી. આરોપી પિન્કેશ પટેલ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઇકો સેલે તેને દબોચી લીધો છે. હાલમાં પોલીસ પેઢીના અન્ય ભાગીદારોની શોધખોળ કરી રહી છે અને પિન્કેશની પૂછપરછમાં અન્ય કેટલા લોકો આ કૌભાંડનો ભોગ બન્યા છે તેની વિગતો બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Bharuch News : જંબુસરમાં બુલડોઝર એક્શન બાદ મોટા સમાચાર, ઇન્ચાર્જ ચીફ ઓફિસરનો ચાર્જ પરત લેવાયો

  • Follow us on: