સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રના ભિવંડીથી તેલંગાણા લઈ જવાતો પ્લાસ્ટિકના દાણાનો લાખોની કિંમતનો જથ્થો બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક અને બે ટેમ્પો ચાલકો સહિતના આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણાનો જથ્થો બારોબાર સગેવગે કરાતો હતો

ઘટનાની વિગત મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કામરેજના ખોલવડ ગામથી ભાદા ગામ તરફ જતાં રસ્તા પર એક ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણાનો જથ્થો બારોબાર બીજા વાહનોમાં ઉતારવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડતા ત્યાં ટ્રકમાંથી બે આઈશર ટેમ્પામાં પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક અને બંને ટેમ્પો ચાલકોને રંગેહાથ દબોચી લીધા હતા.

માલ ભિવંડીથી તેલંગાણા મોકલવા માટે રવાના થયો હતો,

પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ માલ ભિવંડીથી તેલંગાણા મોકલવા માટે રવાના થયો હતો, પરંતુ આરોપીઓ વધુ કમાણી કરવાની લાલચે માર્ગમાં જ તેને સગેવગે કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ₹28 લાખથી વધુની કિંમતના પ્લાસ્ટિકના દાણા, એક ટ્રક, બે આઈશર ટેમ્પા અને મોબાઈલ ફોન મળી કુલ ₹54.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાઈવે પર ચાલતા આવા બારોબારિયા કૌભાંડોમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો---   Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી