સુરત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક અત્યંત ચાલાકીપૂર્વક ચાલતા ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ અત્યંત સંવેદનશીલ રીતે બાળકોનો ઉપયોગ કરીને ચોરીના ગુના આચરતી હતી. પકડાયેલા આરોપીઓ ટીના ઉર્ફે અંજુ શિંદે અને સુમિત કાલે ભીડભાડવાળી જગ્યાઓ પર ફુગ્ગા અને રમકડાં વેચવાનો ઢોંગ કરતા હતા. તેમની સાથે રહેલી નાની બાળકીઓ પાસે તેઓ ભીખ મંગાવતા અને જેવો મોકો મળે કે તરત જ આ બાળકીઓ દ્વારા લોકોના સોનાના દાગીના અને કિંમતી સામાનની ચોરી કરાવતા હતા. પોલીસની તપાસમાં કુલ 15 લાખ રૂપિયાથી વધુની કિંમતના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે.


સુરત LCBનો માસ્ટરસ્ટ્રોક

આ ગેંગ સુધી પહોંચવા માટે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો. આરોપીઓના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મળેલા લોકેશન અને વિગતોના આધારે પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી, જ્યાં આરોપીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ટોળકી લાંબા સમયથી અલગ-અલગ શહેરોમાં સક્રિય હતી અને બાળકોને ચોરીની તાલીમ આપતી હતી. હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે અને ગેંગના અન્ય કોઈ સભ્યો આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara માં વિકાસની આડમાં આફત, નવાયાર્ડમાં ડ્રેનેજની અધૂરી કામગીરીને લઈને થયો ગમખ્વાર અકસ્માત

  • Follow us on: