વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની લાપરવાહી ફરી એકવાર સામે આવી છે. અહીં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈન અને રસ્તાની કામગીરી અધૂરી હાલતમાં છોડી દેવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં નવાયાર્ડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક આધેડ વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અધૂરી કામગીરી અને સાંકડા રસ્તાને કારણે તેઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા.


લોકોની હાલાકીનો કોઈ અંત નહીં

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ડ્રેનેજની કામગીરી શરૂ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું છે. રસ્તા પર પડેલા ખાડા અને અધૂરા ખોદકામને કારણે વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે, જેને લીધે નાની-મોટી ટક્કર અને અકસ્માતો હવે અહીં નિત્યક્રમ બની ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જો વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં પાલિકા પ્રત્યે ઉગ્ર અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Dahod News : ક્રાઈમ થ્રિલર જેવા દ્રશ્યો, પોલીસે અશોક બિશ્નોઈને ઘેર્યો, ભાગવા જતા પગમાં મારી ગોળી

  • Follow us on: