માસૂમ દીકરીઓ પર વધતા અત્યાચાર વચ્ચે સુરતમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય પાટીદાર સમાજની સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ અરવિંદ તરીકે થઈ છે.
બે સંતાનોનો પિતા છે આરોપી
આરોપી અરવિંદે સગીરાને લગ્નની લાલચ આપી અને ખોટા પ્રેમનો દેખાડો કરીને તેનું અપહરણ કર્યું હતું.અપહરણ બાદ તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.આરોપી અરવિંદ પોતે પરણેલો છે અને બે સંતાનોનો પિતા હોવા છતાં, તેણે પોતાની અસલી ઓળખ છુપાવીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
આ ઘટનાની જાણ થતા જ પાટીદાર સમાજ સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. લોકોના દબાણ અને મામલાની ગંભીરતા જોતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢ્યો હતો.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
હાલમાં પોલીસે આરોપી અરવિંદની ધરપકડ કરી લીધી છે અને તેની સામે અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અને સોશિયલ મીડિયા કે અજાણ્યા લોકો સાથેના સંપર્ક બાબતે વાલીઓને જાગૃત રહેવાની ચેતવણી આપી છે.










