સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક માસૂમ બાળક ઘરમાં રમતા-રમતા બેડરૂમમાં પુરાઈ જવાની અને દરવાજો અંદરથી લોક થઈ જવાની ચિંતાજનક ઘટના સામે આવી છે. બાળક રૂમમાં એકલો ફસાઈ જતાં અને સતત રડતો હોવાથી પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, આ મુશ્કેલ સમયમાં ફાયર બ્રિગેડની ટીમે દેવદૂત બનીને આવી ગણતરીની મિનિટોમાં જ બાળકનું હેમખેમ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું.
બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો
મળતી વિગતો અનુસાર, મોટા વરાછા વિસ્તારમાં આવેલી ભક્તિનંદન સેક્ટર સોસાયટીના ઘર નંબર 93માં આ ઘટના બની હતી. અહીં રહેતા જયેશભાઈ બુહાનો આશરે દોઢ વર્ષનો માસૂમ પુત્ર વિવાન બપોરના સમયે ઘરમાં રમી રહ્યો હતો. રમત-રમતમાં વિવાન બેડરૂમની અંદર ગયો હતો અને અચાનક કોઈક રીતે બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. વિવાન હજુ ખૂબ જ નાનો હોવાથી અંદરથી દરવાજો ખોલવા સક્ષમ નહોતો.
દોઢ વર્ષનો માસૂમ વિવાન ડરના માર્યા સતત રડતો રહ્યો
દરવાજો બંધ થઈ જતાં જ પરિવારજનોએ તેને બહારથી ખોલવાના તમામ અથાણ પ્રયાસો કર્યા હતા, પરંતુ લોક ન ખુલતા તેઓ નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ, રૂમમાં એકલો પડી ગયેલો દોઢ વર્ષનો માસૂમ વિવાન ડરના માર્યા સતત રડી રહ્યો હતો, જેના કારણે પરિવારની ચિંતા ખૂબ જ વધી ગઈ હતી. આખરે કોઈ રસ્તો ન સૂઝતા પરિવારે તાત્કાલિક સુરત ફાયર વિભાગને આ અંગે જાણ કરી મદદ માંગી હતી.
સહી-સલામત બહાર કાઢીને તેના માતા-પિતાને સોંપ્યો
બાળક ફસાયું હોવાનો કોલ મળતા જ મોટો વરાછા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને સમય બગાડ્યા વિના આધુનિક હાઈડ્રોલિક અને રેસ્ક્યૂ સાધનોની મદદથી ગણતરીની મિનિટોમાં જ દરવાજો તોડી નાખ્યો હતો. ફાયર ટીમે વિવાનને કોઈ પણ ઈજા વગર સહી-સલામત બહાર કાઢીને તેના માતા-પિતાને સોંપ્યો હતો. બાળકને સુરક્ષિત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ પણ વાંચો---- Vadodara : વાલીઓ.. ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો, સ્કૂલ વેન એસોસિએશનનો એવો નિર્ણય કે સાંભળીને જ બજેટ ખોરવાઈ જશે