નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા જ વડોદરાના વાલીઓ માટે અત્યંત ચિંતાજનક અને ખિસ્સા હળવા કરનારા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના આ યુગમાં હવે બાળકોને શાળાએ મોકલવા વધુ મોંઘા સાબિત થશે. વડોદરા સ્કૂલ વેન એસોસિએશન દ્વારા સ્કૂલ વાહનોના માસિક ભાડામાં તોતિંગ વધારો ઝીંકવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

આકરો નિર્ણય લેવાયો

સ્કૂલ વેન એસોસિએશનના પ્રમુખ જીવન ભરવાડ અને અન્ય વાહન ચાલકોની મળેલી બેઠકમાં આ આકરો નિર્ણય લેવાયો છે. વડોદરામાં આગામી 8 જૂનથી જ નવું ભાડું અમલી બની જશે. નવી જાહેરાત અનુસાર, વાહન અને અંતરના આધારે વિદ્યાર્થી દીઠ રૂપિયા 100થી લઈને રૂપિયા 400 સુધીનો તોતિંગ વધારો ફટકારવામાં આવશે. હાલમાં વડોદરામાં વાલીઓ વિદ્યાર્થી દીઠ મિનિમમ 700થી 750રૂપિયા જેટલું માસિક ભાડું ચૂકવી રહ્યા છે, જેમાં હવે મોટો વધારો થવા જઈ રહ્યો છે. આ નિર્ણય હેઠળ સ્કૂલ વેનમાં વિદ્યાર્થી દીઠ 100 રૂપિયા અને સ્કૂલ બસના ભાડામાં 400 રૂપિયા સુધીનો ધરખમ ભાવ વધારો તોળાઈ રહ્યો છે.

અમારા સંતાનોને શાળામાંથી ઉઠાવી લેવા પડશે

આ ભાવ વધારા પાછળ વેન ચાલકોએ પોતાની લાચારી વ્યક્ત કરી છે. વાહન ચાલકોનું કહેવું છે કે, "વધતી જતી મોંઘવારી, મેન્ટેનન્સ અને ઈંધણના ભાવ સામે જો અત્યારે ભાડું વધારવામાં નહીં આવે, તો અમારે પોતાના વાહનો વેચી દેવાનો વારો આવશે. એટલું જ નહીં, પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે અમારે અમારા પોતાના સંતાનોને શાળામાંથી ઉઠાવી લેવા પડશે."

 વાલી મંડળોમાં ભારે આક્રોશ

એકતરફ શાળાઓની ફી અને સ્ટેશનરીના ભાવ આસમાને છે, ત્યારે બીજી તરફ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં વાલી મંડળોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. હવે વાલીઓ પાસે આ ભાવ વધારો સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.


આ પણ વાંચો----     Gujarat Civic Body Update : તમારા શહેરમાં કોની લાગી લોટરી ? એક જ ક્લિક કરો તો ખુલી જશે રહસ્ય