સુરત મહાનગરપાલિકામાં લાંબા સમય બાદ આવેલી મહાભરતીને લઈને યુવાનો,નોકરિયાતોમાં હલચલ જોવા મળી છે.છેલ્લા એક મહિનાથી સરકારી નોકરી મેળવવા ઇચ્છુકોમાં પાલિકાની ભરતીની જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે પાલિકાના વિવિધ વર્ગ,કેડરમાં 2483 જેટલી જગ્યા માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં અધધ 2.25 લાખ જેટલા ઉમેદવારો નોંધાઈ ચૂક્યા છે.બુધવારે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.તે પૂર્વે છેલ્લા બે દિવસમાં ભરતી માટે ભારે રસ જોવા મળ્યો હતો.છેલ્લા બે દિવસમાં 65 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા.

ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી

સુરત મહાનગર પાલિકામાં જુદી જુદી કેડરની 45 જગ્યા માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વિશેષ જગ્યાઓમાં મેડિકલ ઓફિસરની 69, આસિસ્ટન્ટ ઈજનેર સિવિલમાં 52, આસિસ્ટન્ટ ઈજનેર ઈલેક્ટ્રિકલમાં 57, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરમાં 54 સ્ટાફ નર્સમાં 150, ત્રીજી શ્રેણી ક્લાર્કમાં 717, ડ્રાઈવરમાં 444, જુનિયર ફાર્માસિસ્ટમાં 70, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિકલમાં 30, ટેકનિકલ આસિસ્ટન્ટમાં 112, લેબોરેટરી ટેનિશયનમાં 40, માર્શલ વોચ એન્ડ વોર્ડમાં 323 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી હતી.

ઓનલાઈન અરજીની મુદ્દત નિર્ધારિત કરવામાં આવી

1 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજીની મુદ્દત નિર્ધારિત કરવામાં આવી હતી.બુધવારે રાત્રીએ 11 વાગ્યે આ મુદત પૂર્ણ થઈ ગઈ હતી. તે પૂર્વે સાંજે 5 વાગ્યા સુધીમાં અધધધ 2.25 લાખ અરજીઓ આવી હતી. 2395 ખાલી જગ્યા પર ઓપન ભરતી પ્રક્રિયા અને 88 જગ્યાઓમાં ડિપાર્ટમેન્ટલ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે.કુલ મળીને 2483 જગ્યા માટે અરજીઓ મંગાવી હોય અધધધ્ધ 2.25 લાખ ઉમેદવારો નોંધાતા સરકારી નોકરીનો મોહ હજુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ભરતીની ખોટી જાહેરાતથી ચિંતા, પાલિકાએ ફરિયાદ નોંધાવી

પાલિકાની વિવિધ કેડરમાં ખાલી પડેલી જગ્યા પર ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાલિકાના નામે અને અન્ય સંસ્થાના લોગોનો ઉપયોગ કરીને ભરતી અંગેની ખોટી અને ભ્રામક જાહેરાત પ્રસારિત કરી દેવાતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ જાહેરાતમાં પાલિકાના નામનો પણ દુરુપયોગ કરાયો હતો. આ પ્રકારની ખોટી જાહેરાત થકી ઉમેદવારો સાથે સાઇબર ક્રાઇમ થઇ શકે એવી ભીતિ સેવાઇ હતી. પ્રકરણમાં પાલિકા તંત્રએ હરકતમાં આવીને લોકોને જાગૃત થવાની અપીલ કરી હતી. તેમજ ખોટી જાહેરાત મુદ્દે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉમેદવારો પહેલા જાતિ પ્રમાણપત્ર, પછી ધીમી પ્રક્રિયાથી હેરાન

પાલિકાની મહાભરતી સાથે જ ઉમેદવારોનો ધસારો જોઈ તંત્ર વિમાસણમાં પડી ગયું છે. બીજી બાજુ હાલમાં ચૂંટણીની ભાગદોડ વચ્ચે ઉમેદવારોને છેલ્લા ૧૦ દિવસ જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પરસેવો પડી ગયો હતો. મામલતદાર કચેરીના કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાયા હોય અરજદારોએ લાંબી લાઇનમાં ઊભા રહેવાનો અથવા તો બે-ત્રણ દિવસ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. વધુમાં, છેલ્લા ત્રણ દિવસથી ફોર્મ ભરવાનો પ્રયાસ કરનારાઓને સર્વર ડાઉન અથવા તો ધીમી તકનીકી પ્રક્રિયાને કારણે પરેશાન થવું પડયું હતું. ઘણા કિસ્સામાં લોગીન માટે ઓટીપી એક-દોઢ કલાક પછી મળતો હોવાની ફરિયાદો ઉઠી હતી.


આ પણ વાંચોઃ Valsad: વાપીમાં બ્રિજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મજૂરો દબાયા, સમગ્ર ઘટના CCTVમાં કેદ