સુરત શહેરમાં મોબાઇલ ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે સુરત શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે અઠવાલાઇન્સ પોલીસ દ્વાકા ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી કુલ 13 મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે 80,000 રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ સફળ કામગીરીથી અઠવાલાઇન્સ વિસ્તારમાં થયેલી ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.


ત્રણેય શખ્સો મોબાઈલ ચોરીની પ્રવૃત્તિમાં સક્રિય હતા

પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ, અંકિત ઇશ્વરભાઈ વળવી, સમીર ઉર્ફે શીરપુર સકીલ શેખ અને અજય કેદાર પટેલ નામના ત્રણેય શખ્સો મોબાઈલ ચોરીની પ્રવૃત્તિમાં સક્રિય હતા. આ ત્રિપુટી શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓનો ફાયદો ઉઠાવીને લોકોના ખિસ્સામાંથી કે હાથમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા હતા.

કુલ 13 મોબાઈલ ફોન મળી આવ્યા

અઠવાલાઇન્સ પોલીસે બાતમીના આધારે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેમની પાસેથી ચોરી કરેલા જુદા જુદા કંપનીના કુલ 13 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કિંમત 80,000 રૂપિયા જેટલી છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ ચોરીના ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ.


આ પણ વાંચો - Surat News: રોફ જમાવવા જાહેરમાં કેક કાપનાર પિન્ટુને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, પાંડેસરા પોલીસે શેર કર્યો વિડિયો


  • Follow us on: