સુરત શહેરમાં 'રોફ' જમાવવાની ઘેલછામાં કાયદાનું ઉલ્લંઘન કરી જાહેરમાં બેફામ બનતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. આવો જ એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાં સામે આવ્યો હતો, જ્યાં જાહેરમાં લોકોનું ટોળું ભેગું કરીને કેક કાપવાની સ્ટાઇલમાં જન્મદિવસની ગેરકાયદેસર ઉજવણી કરનાર અને તેનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર 'વટ' પાડવાનો પ્રયાસ કરનાર એક શખ્સને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે.

મિત્રો અને ચાહકોને ભેગા કરીને ધમાકેદાર ઉજવણી કરી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 'પિન્ટુ' નામનો આ શખ્સ પાંડેસરાના જાહેર રસ્તા પર પોતાના મિત્રો અને ચાહકોને ભેગા કરીને ધમાકેદાર ઉજવણી કરી રહ્યો હતો, જાણે તેને કાયદાનો કોઈ ડર જ ન હોય. તેણે આ ઉજવણીનો વિડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો, જેમાં તે ખુલ્લેઆમ કાયદાના નિયમોની ધજ્જીયા ઉડાવતો જોવા મળ્યો હતો.

કાયદાનું કડક ભાન કરાવવામાં આવ્યું 

વિડિયો પોલીસના ધ્યાને આવતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનના જવાનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. પોલીસે આ વિડિયોના આધારે પિન્ટુને શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરનામાના ભંગ બદલ અને ભીડ એકઠી કરવા બદલ તેની સામે કલમ લગાવીને કાયદાનું કડક ભાન કરાવવામાં આવ્યું છે. 


https://x.com/CP_SuratCity/status/1993716280499847493


પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જાહેરમાં આવો રોફ જમાવવાનો પ્રયાસ કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ હંમેશા તત્પર રહેશે.


આ પણ વાંચો -Junagadh News: વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી સફાઈ, ગડુ પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ