ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં એક બાદ એક આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગત અઠવાડિયામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આવામાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અડાજણ વિસ્તારમાં આજે આગની એક મોટી ઘટના સામે આવી છે. અડાજણના મધુવન સર્કલ પાસે આવેલા એક ગાદલા બનાવવાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ મધુવન સર્કલ પાસે સ્થિત ગાદલાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ગાદલામાં વપરાતું મટીરિયલ અત્યંત જ્વલનશીલ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગોડાઉનમાં કામ કરતા લોકો અને આસપાસના રહીશોમાં આગને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી.

ફાયર વિભાગની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી અને આસપાસની મિલકતોને નુકસાન થતા બચાવી લેવાઈ હતી.

મોટી જાનહાનિ ટળી, કારણ અકબંધ

આ દુર્ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે, કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી. ગોડાઉનમાં રહેલો ગાદલાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોય તેવી શક્યતા સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Surat: અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ, જિલ્લામાં 585 કરોડના વિકાસ કામોની ભેટ


  • Follow us on: