સુરત શહેરમાં દારૂના ખુલ્લેઆમ થઈ રહેલા વેચાણ સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. થર્ટી ફર્સ્ટ પહેલા સુરત શહેરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી. મહાદેવ ફળિયામાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. આવામાં મહિલાઓ સહિત લોકોએ જનતા રેડ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સ્થાનિકો દ્વારા દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી

સુરત શહેરના પાલ વિસ્તારના મહાદેવ ફળિયામાં જનતા રેડ કરવામાં આવતા ગુજરાતમાં દારૂબંધી અને પોલીસની કડક કાર્યવાહીની પોલ ખુલી ગઈ છે. મહાદેવ ફળિયામાં લોકો જાણે બારમાં બેઠા હોય તેમ મોકળાશથી દારૂનું સેવન કરી રહ્યા છે. જાહેરમાં વેચાતા દારૂના અડ્ડા સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકો દ્વારા દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. આ જનતા રેડ દરમિયાન દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ રેડ બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.




જો સ્થાનિક લોકો જનતા રેડ કરી શકતા હોય, તો સ્થાનિક પોલીસ કેમ નહીં?

સુરત પાલ વિસ્તારના મહાદેવ ફળિયામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા સમયે સમગ્ર રેડનો વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો. જનતા રેડ દરમિયાન વીડિયો શૂટ બંધ કરવા બુટલેગર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ રેડ બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે, જો સ્થાનિક લોકો જનતા રેડ કરી શકતા હોય, તો સ્થાનિક પોલીસ કેમ નહીં? જનતા રેડ બાદ સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક સવાલ છે.


આ પણ વાંચો - Surat News : સુરતના ઓલપાડમાં 1 વર્ષના બાળક પર ટાંકી પડતા મોત, પોલીસ પહોંચી ઘટના સ્થળે


  • Follow us on: