સુરતના માંગરોળ તાલુકાના કીમ-માંડવી રોડ પર ગેસ પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. મોટા બોરસરા ગામના પાટિયા પાસે ચાલી રહેલા ખોદકામ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. ગેસ લાઈન લીક થવાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે લાંબો સમય વીતવા છતાં તંત્ર કે ગેસ કંપનીનો કોઈ જવાબદાર વ્યક્તિ ઘટનાસ્થળે પહોંચ્યો નહોતો. હાલમાં કીમ ગામથી કીમ ચાર રસ્તા સુધી બોક્સ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે.
બોરસરા ગામના પાટિયા પાસે લાઈનમાં ભંગાણ
આ કામગીરી દરમિયાન જેસીબી વડે કરવામાં આવતા ખોદકામને કારણે જમીનમાં રહેલી ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇન તૂટતાની સાથે જ મોટા અવાજ સાથે ગેસ લીક થવા લાગ્યો હતો, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાને એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ પણ જવાબદાર અધિકારી કે ટેકનિકલ ટીમ સમારકામ માટે પહોંચી ન હતી.













