વસંત ગજેરાએ જમીનમાં પૈસા રોક્યાનો ખુલાસો થયો છે અને કુલ 40થી વધુ કંપનીમાં ITનું સર્ચ યથાવત છે, વસંત ગજેરા 32 કંપનીમાં છે ડિરેક્ટર અને ચુની ગજેરા 41, વૃષાલ 23 કંપનીમાં ડિરેક્ટર છે, જતીન ગજેરા પણ 8 કંપનીમાં છે ડિરેકટર, સાથે સાથે 1.50 કરોડની રોકડ પણ ITને તપાસમાં મળી આવી છે.
ગજેરાના તમામ દસ્તાવેજોની તપાસ ચાલુ
ઇન્કમટેક્સ વિભાગે વસંત ગજેરા અને તેના પરિવારના સભ્યો કઇ કઇ કંપનીમાં કેટલા સમયથી ડિરેક્ટર છે અને તેમાં દર વર્ષે કેટલા રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવે છે તેની પણ તપાસ શરૂ કરી છે. તેમાં એવી હકીકત જાણવા મળી છે કે વસંત ગજેરા ૩૨ કંપનીમાં ડિરેક્ટર છે, જ્યારે યુની ગજેરા ૪૧, વૃષાલ ગજેરા ૨૩ અને જતીન ગજેરા ૮ કંપનીમાં ડિરેક્ટર છે. આ તમામ કંપનીમાં મેહુલ ચોકસીની કંપનીમાં નાણાં આવ્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે પીએનબી બેંકનો કૌભાંડી મેહુલ ચોકસી સાથે પણ રાકેશ ગિરધર ગજેરાએ ગીતાંજલી જેમ્સ શરૂ કરી હતી. તેમાં ઇનસાઇ ડર ટ્રેડિંગ કરવા બદલ સેબીએ કાર્યવાહી કરીને ગિતાંજલી જેમ્સના શેરને બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથે સાથે મેહુલ ચોકસીને ૧.૫ કરોડ અને રાકેશ ગજેરાને એક કરોડનો દંડ કટકાર્યો હતો.
વેવાઇની જમીનમાં પ્રોજેક્ટ માટે મોટાપાયા પર રોકાણ વસંત ગજેરાએ કર્યાનું ખૂલ્યું
ખેડુતોની જમીનમાં ભાગીદારી કરીને પ્રોજેક્ટ તો ઊભા કરવામાં વસંત ગજેરા એન્ડ કંપનીએ મહારત હાંસલ કરી છે. તેવી જ રીતે વૃષાલના સસરા અને વસંત ગજેરાના વેવાઇની અનેક જગ્યાઓ પર આવેલી જમીનમાં પણ પોતે રોકાણ કરીને મોટા મોટા પ્રોજેક્ટ ઊભા કરવામાં આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ તે દિશામાં પણ તપાસ કરે તો વેવાઇ સાથે કરવામાં આવેલા રોકાણની પણ વિગતો બહાર આવે તેમ છે. સાથે સાથે વસંત ગજેરાને ત્યાં કામ કરતા એકાઉન્ટન્ટ, લીગલ એડવાઇઝર, હીરા કંપનીના મેનેજર સહિતની પણ પુછપરછ કરવામાં આવે તો કાળા નાણાનો વેપાર કરવા માટે કેવા કેવા હથકંડા અપનાવવામાં આવતા હતા તેની હકીકતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમજ તેના માટે ઇન્કમટેક્સ વિભાગે કવાયત પણ હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી છે.
પોતાની ઓફિસમાં કામ કરતા ખેડૂતોના નામે જમીન ખરીદી
ઇન્કમટેક્સ વિભાગે વસંત ગજેરા એન્ડ કંપનીને ૧૦ દિવસ પહેલા જ ટેક્સ ચોરી અંગે નોટિસ ફટકાર્યાના ૧૦ જ દિવસમાં લક્ષ્મી ડાયમંડ સહિતનાં સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સતત બીજા દિવસે પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસનો દોર યથાવત રાખ્યો છે. જાણકારોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં સૌથી વધુ કાળા નાણાનો ખેલ દરોડા બાદ બહાર આવવાની શક્યતા રહેલી છે. જમીન ખરીદીમાં મોટાપાયે ટેક્સ બચાવવા માટે વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા અન્યોના નામે જમીન ખરીદી કરવામાં આવતી હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમાં પોતાની ઓફિસમાં કામ કરનારાઓ પૈકી જે પણ ખેડૂત હોય તેના નામે સૌથી પહેલા જમીન ખરીદવામાં આવતી હતી, કારણ કે પોતાના અથવા તો પરિવારના નામે જમીન ખરીદી કરવામાં આવે તો જમીન ટોચ મર્યાદાનો કાયદો પણ લાગુ પડી શકે તેમ છે.
મોટાપાયે જમીનમાં કરેલા રોકાણના દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે
આ તમામ બાબતોની ખાસ તકેદારી રાખીને જમીન ખરીદી કરવામાં આવતી હતી. અન્યોના નામે જમીન ખરીદી કરવામાં આવ્યા બાદ તે જમીન એનએ કરાવીને પોતાના નામે કરાવી દેવામાં આવતી હતી. જેથી જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડે નહીં. જયારે કેટલીક જગ્યાઓ તો ખેડૂતના નામે જ રાખીને પ્રોજેક્ટ ઊભો કરી દેવામાં આવતો હતો. ઈન્કમટેક્સ વિભાગના ડીઆઇ વિંગ અને તેમની ટીમ દ્વારા સતત બીજા દિવસે શરૂ રાખેલી તપાસમાં જમીનમાં, શેર બજારમાં કરેલા રોકાણની વિગતો બહાર આવી છે. આ ઉપરાંત મોટાપાયે રોકડ, જવેલરી, ડાયમંડ સહિતનો જથ્થો મળી આવ્યો છે. તેમાં મોટાપાયે જમીનમાં કરેલા રોકાણના દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામનો તાળો મેળવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાના કારણે કેટલા રૂપિયાની મતા કબજે કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી.









