ડાયમંડ સિટી સુરતમાં સતત વિસ્તરી રહેલા શહેરી વિસ્તારો અને વધતી વસ્તીને ધ્યાને રાખીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે નવનિર્મિત કુંભારીયા પોલીસ ચોકીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ લોકાર્પણ સમારોહમાં સુરતના ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર, ઝોન-2 ના ડીસીપી કાનન દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ નવી ચોકીના નિર્માણથી સ્થાનિક રહીશો અને વેપારીઓને પોલીસ સહાય વધુ ઝડપથી મળી રહેશે અને ગુનાખોરી પર લગામ કસવામાં સરળતા રહેશે.
સ્થાનિક સુરક્ષામાં થશે વધારો
સારોલી અને કુંભારીયા વિસ્તારમાં ટ્રાફિક અને વ્યાપારી ગતિવિધિઓ વધુ રહેતી હોવાથી અહીં લાંબા સમયથી નવી પોલીસ ચોકીની જરૂરિયાત વર્તાતી હતી. કોઈપણ ઘટનાના સમયે પોલીસ હવે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી શકશે. આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવશે.
સ્થાનિક નાગરિકોએ હવે નાની ફરિયાદો કે અરજીઓ માટે દૂરના પોલીસ સ્ટેશન સુધી લંબાવું નહીં પડે. આ નવનિર્મિત ચોકી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે, જે પોલીસ જવાનોની કાર્યક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થશે. લોકાર્પણ બાદ અધિકારીઓએ ચોકીના મકાનનું નિરીક્ષણ કર્યું હતું અને ફરજ પરના પોલીસ કર્મીઓને પ્રજાલક્ષી કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો - Banaskantha News: વાવ-થરાદમાં લવ જેહાદની ઘટના, સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરાતા બે સામે ફરિયાદ