સુરતના મોટા વરાછા ખાતે 'સમસ્ત લેઉવા પાટીદાર સમાજ' દ્વારા એક ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ અને શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ લોકોની જનમેદની ઉમટી પડી હતી.
દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મનસુખ માંડવીયા સહિત રાજ્યના અનેક મંત્રીઓએ હાજરી આપી હતી. એક જ મંચ પર રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને લોકસાહિત્યના કલાકારો જોવા મળ્યા હતા. સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રશાંત કોરાટ અને અંજુબેન વેકરીયાનું પણ અહીં વિશેષ સન્માન કરાયું હતું.
મુખ્ય સંબોધનોની ઝલક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: તેમણે જણાવ્યું કે એકતા અને સંગઠન એ પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે. પાટીદારોએ વ્યવસાયિક ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવી છે. સી.આર. પાટીલ: તેમણે મનરેગા યોજનાની રકમ 31 માર્ચ પહેલા વાપરવા કલેક્ટરોને સૂચના આપવા વિનંતી કરી હતી અને જણાવ્યું કે 31 માર્ચ બાદ મનરેગાનું નામ બદલાઈ જશે. હર્ષ સંઘવી: તેમણે ભાજપ અને પાટીદાર સમાજને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા હતા અને સીરામીક ઉદ્યોગ માટે ગેસના ભાવ ઘટાડવાનો ઉલ્લેખ કર્યો હતો.
સામાજિક એકતા અને રાજકીય પ્રભુત્વના દર્શન
જીતુ વાઘાણી: તેમણે રાજ્યમાં 'ભૂપેન્દ્ર દાદાના બુલડોઝર' અને ખેડૂતો માટેના 10 હજાર કરોડના પેકેજની વાત કરી હતી. કૌશિક વેકરીયા: તેમણે યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને સમાજસેવા કરવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમે પાટીદાર સમાજની સામાજિક એકતા અને રાજકીય પ્રભુત્વના દર્શન કરાવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો