સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. લિંબાયત અને સચિન બાદ હવે ભેસ્તાન વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો છે, જ્યાં માત્ર ટેરેસ પર લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે ટોકતા અસામાજિક તત્વોએ બે ભાઈઓ પર ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં 22 વર્ષીય મોહમ્મદ ઝફરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેનો મોટો ભાઈ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ છે, જેને પગલે સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક ઝફર માત્ર બે મહિના પહેલા જ બિહારથી રોજગારીની આશાએ સુરત આવ્યો હતો અને તેને એક મહિનાનું માસૂમ બાળક પણ છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.
ભેસ્તાનમાં ખૂની ખેલ
આ આખી ઘટના ઉન નવાબ રેસિડેન્સી પાસે બની હતી, જ્યાં અસામાજિક તત્વો જાહેરમાં લઘુશંકા કરતા હોવાથી ઝફરે તેમને નમ્રતાપૂર્વક ટકોર કરી હતી. આ શિખામણથી ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ઘાતક હથિયારો વડે બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની સાથે સામેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ડિટેન કર્યો છે. આ ભયાનક વાતાવરણથી ડરેલા મૃતકના પરિવારે આક્રંદ કરતા જણાવ્યું હતું કે, "અમારે અહીં નથી રહેવું, અમને બિહાર મોકલી દો." સુરતમાં સતત વધતી ગુનાખોરીએ શ્રમજીવી પરિવારોમાં અસુરક્ષાની લાગણી જન્માવી છે.













