સુરત શહેરમાં જીમમાં જતી યુવતીઓ અને મહિલાઓની સલામતી સામે સવાલો ઉઠતા SOG પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જીમમાં ટ્રેનરો દ્વારા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ તેમને બ્લેકમેઈલ કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ફરિયાદો પોલીસ સુધી પહોંચી હતી, જેના પગલે હવે જીમ સંચાલકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
એસઓજી પોલીસે જીમ સંચાલકોને આપી સૂચના
SOG પોલીસે શહેરના જીમ સંચાલકો સાથે બેઠક યોજીને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે જીમમાં માત્ર કેમેરા જ નહીં, પણ હવે વોઈસ રેકોર્ડિંગ સુવિધા સાથેના CCTV કેમેરા લગાવવા ફરજિયાત રહેશે, જેથી ટ્રેનર અને સભ્ય વચ્ચેની વાતચીત પર નજર રાખી શકાય. કોઈપણ જીમ ટ્રેનર મહિલા કે યુવતી સભ્યને તેમના અંગત મોબાઈલ નંબર પર પર્સનલ મેસેજ કરી શકશે નહીં. કામ સિવાયના વધારાના સંપર્ક પર પૂર્ણપણે રોક લગાવવામાં આવી છે. જો કોઈ ટ્રેનર કનડગત કરતો અથવા બ્લેકમેઈલ કરતો ઝડપાશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.













