સુરત જિલ્લામાં લોકશાહીના પાયા સમાન મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા વેગવાન બની છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 'Special Integrated Roll' (SIR) ની કામગીરી અને મતદાર યાદીના લેટેસ્ટ આંકડાઓ જાહેર કર્યા છે.

સુરતની નવી મતદાર યાદી પર એક નજર

સુરત જિલ્લામાં કુલ 36,23,193 મતદારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં જેન્ડર રેશિયો પણ સંતુલિત જોવા મળ્યો છે. જેમાં 18,78,949 પુરૂષ મતદારો નોંધાયા છે. જ્યારે 17,44,144 સ્ત્રી મતદારો નોંધાયો છે. જ્યારે અન્ય જાતિના 100 મતદારો નોંધાયા છે.

મેપિંગની પ્રક્રિયા અને વર્તમાન સ્થિતિ

ગત મહિને 4 નવેમ્બરથી 14 ડિસેમ્બર 2025 સુધી BLO દ્વારા ઘરે-ઘરે જઈને હાથ ધરવામાં આવેલી કામગીરીમાં 25,05,311 મતદારોનું સફળતાપૂર્વક મેપિંગ કરવામાં આવ્યું છે. જોકે, હજુ પણ 11,17,882 જેટલા મોટા પ્રમાણમાં મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. જેમના મેપિંગ બાકી છે, તેમના માટે વહીવટી તંત્રએ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

બાકી રહેલા મતદારો માટે શું છે વ્યવસ્થા?

જે મતદારોના મેપિંગ બાકી છે, તેમને આગામી 19 ડિસેમ્બર 2025 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન નોટિસ પાઠવવામાં આવશે. આ મતદારોએ પોતાના રહેઠાણ અને ઓળખના પુરાવા સંબંધિત મતદાર નોંધણી અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે. ત્યારબાદ AERO દ્વારા 50-50 મતદારોના ગ્રુપમાં સુનાવણી કરવામાં આવશે અને લાયક મતદારોનો સમાવેશ 17 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર થનારી યાદીમાં કરવામાં આવશે.

નાગરિકો માટે મહત્વની સૂચના

જો તમને મતદાર યાદી સામે કોઈ વાંધો હોય અથવા સુધારો કરાવવો હોય, તો 19 જાન્યુઆરી 2026 સુધીમાં વાંધા અરજી રજૂ કરી શકાય છે. જે નાગરિકોએ અગાઉ ફોર્મ ભર્યા નથી, તેમણે ફોર્મ-6 ભરીને જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવવી ફરજિયાત છે. હાલની તમામ વિગતો સુરત કલેક્ટરની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.


આ પણ વાંચો - YouTube server down: ડાઉન થયું Youtubeનું સર્વર, લાખો યુઝરને વિડિયો સ્ટ્રીમ મુશ્કેલી