સુરતમાં ગઈ કાલે પરવત પાટિયા વિસ્તારમાં સ્થિત રાજ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબુમાં લઈ લીધી છે. 14 કલાક બાદ આગ કાબુમાં આવી છે. ફાયર બ્રિગેડે 6 કલાક સુધી કૂલિંગની કામગીરી કરી હતી.આ ઘટનામાં બે ફાયર જવાનો ગૂંગળાયા હતાં અને એક માર્શલ દાઝી ગયા હતાં. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.રાજ ટેક્સટાઈલ માર્કેટના B બ્લૉકના 5થી 7 ફ્લોર ઉપર સ્ટેબિલિટી ચેક કરાશે.

FSLની ટીમ બિલ્ડીંગની સ્ટેબિલિટી ચેક કરશે

FSLની ટીમ બિલ્ડીંગની સ્ટેબિલિટી ચેક કરશે. ત્યાર બાદ બિલ્ડીંગને સીલ કરવાની કામગીરી થશે.આગ લાગી ત્યારે ઘટના સ્થળે પહોંચવામાં ફાયરના જવાનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 90 મીટરની હાઈડ્રોલિક લેડર લઈ જવામાં મુશ્કેલી સર્જાઈ હતી. ઓપરેટરે લેડરને 20થી વધુ વખત આગળ પાછળ કરી હતી. છતાં પણ લેડર અંદર જઈ શક્યુ નહોતુ. 350 દુકાનો ધરાવતા માર્કેટમાં ફાયર એનઓસી સહિતના મુદ્દાઓ પર સવાલો ઉભા થયાં છે. અહીં મોટા ફાયર વાહનો પ્રવેશી શકે તેવી સ્થિતિ જ નથી.

વેપારીઓ દુકાન જોવા પહોંચ્યા હતાં

આગની ઘટના બાદ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. આગ કાબુમાં આવતા જ વેપારીઓ દુકાન જોવા પહોંચ્યા હતાં. પોલીસ દ્વારા સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરવામાં આવ્યું છે. એફએસએલની તપાસ બાદ બિલ્ડિંગ એક મહિના સુધી બંધ રહી શકે છે. રિપોર્ટ આવ્યા બાદ જ વેપારીઓ અને ગ્રાહકોને આ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવશે. વેપારીઓએ આ આગની ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવ્યું છે.


આ પણ વાંચોઃ Ahmedabad એરપોર્ટ પર આજે પણ પ્રવાસીઓ રઝળ્યા, ઇન્ડિગોની એકસાથે 18 ફ્લાઈટ્સ રદ