સુરતમાં શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં એક શાળાની હાલત બિસમાર જોવા મળતા DEO દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. જર્જરિત મકાનવાળી શાળામાં બાળકો ભણી રહ્યા હોવાના કારણે આ શાળાની માન્યતાને રદ્દ કરી દેવામાં આવી છે. આ શાળાએ બાળકોની સંખ્યા પણ ખોટી દર્શાવી છે. આ પહેલા પણ આ મામલે શાળાને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ પણ કોઈ સુધારો ન જણાતા કડક પગલા લેવામાં આવ્યા છે.
ટોયલેટ-બાથરૂમની સુવિધા પણ શાળામાં નથી
સુરતમાં પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. શાળાની ખંડેર હાલતના કારણે DEO ડૉ ભગીરથસિંહ પરમાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જર્જરીત મકાનમાં આ શાળાના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. આ સાથે શાળા દ્વારા વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના બારી, દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ ટોયલેટ-બાથરૂમની સુવિધા પણ શાળામાં ન હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ આ શાળાને નોટિસ આપવામાં આવી હતી. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને સુરત DEO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.













