સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ધુમ્મસભર્યા વાતાવરણને લઈ સ્થાનિકો પણ ચિંતામાં મૂકાયા છે અને વિઝીબિલીટી ઝીરો થઈ હોવાની વાત સામે આવી છે.
ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકયો
બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ભરશિયાળે અનેક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક ભોગમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા છે. કમોસમી વરસાદના પગલે જીરું, રાયડો, એરંડા, ઘઉં, ચણા, તુવેર, ધાણા, ઈસબગુલ સહિતના રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કચ્છના રાપર તાલુકામાં ચોમાસા જેવો વરસાદ પડતા પાણી વહેવા લાગ્યા હતા.
સૌરાષ્ટ્રમાં ધોરાજી પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો
પોરબંદર, દ્વારકા, કલ્યાણપુર, જુનાગઢ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડયાં હતાં. ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ, લખપત, અબડાસા અને ગાંધીધામ તાલુકાનાં ગામોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડયાં હતાં. કમોસમી વરસાદને લીધે રવિ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. બનાસકાંઠાના ભાભર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભર બપોરે આકાશમાં વાદળો ઘેરાયા હતા અને અચાનક કમૌસમી વરસાદ શરૂ થયો હતો.
વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટાં પડયાં
વાવ, થરાદ, સુઈગામ અને ધરણીધર સહિતના પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટાં પડયાં છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરમાં સાંજે ૫ વાગ્યાથી કાલાવડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. એ સિવાય ધોરાજી પંથકમાં સાંજે ૪ વાગ્યા બાદ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના ગેલેક્સી ચોક, અવેડા ચોક, સ્ટેશન રોડ, જમનાવાડ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયાં હતાં. એ સિવાય પોરબંદર, દ્વારકા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ થયો હતો. જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા પડયાં હતાં.










