વાહનોમાં અનધિકૃત સફેદ એલઈડી લાઈટ લગાવીને ફરતા વાહનચાલકો સામે આરટીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. વાહન વ્યવહાર વિભાગના કડક આદેશ બાદ શુક્રવારે રાત્રે સુરતના વાય જંક્શન પાસે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને આરટીઓ દ્વારા માત્ર એક જ દિવસમાં ૫૦ વાહનમાલિકોને ઝડપી પાડી ૩ લાખનો દંડ વસૂલ્યો હતો.
ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાની અનેક ફરિયાદો વિભાગને મળી હતી
છેલ્લા ઘણા સમયથી લક્ઝુરિયસ કાર અને અન્ય વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની ગેરકાયદેસર અને અત્યંત તેજ વ્હાઇટ એલઇડી લાઈટ લગાડવાનો ક્રેઝ વધ્યો છે. આ લાઈટને કારણે રાત્રિના સમયે સામેથી આવતા નિર્દોષ Callહનચાલકોની આંખ અંજાઈ જતી હોય છે. જેને પગલે રસ્તો ન દેખાવાને કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાની અનેક ફરિયાદો વિભાગને મળી હતી. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને વાહનવ્યવહાર વિભાગે તાત્કાલિક અસરથી આવી લાઈટ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
અલગ-અલગ વિસ્તારોમાં આવી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે
દરમિયાન રોજિંદા વાહન ચેકિંગ વેળા તો આરટીઓ દ્વારા વ્હાઈટ લાઈટ ધરાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ શુક્રવારે વાય જંક્શન પાસે ખાસ ચેકિંગ રાખવામાં આવ્યું હતું. આ પોઈન્ટ પર આરટીઓ અધિકારીઓએ વ્હાઈટ લાઈટ લગાડી ફરતા વાહનો અટકાવ્યા હતા. જેમાં હેડલાઈટમાં ફેરફાર કરનારા વાહનમાલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પણ આરટીઓ દ્વારા આવી જ રીતે ૨૪૨ વાહનમાલિકો સામે કાર્યવાહી કરી દંડ વસૂલાયો હતો. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી હવે આ ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે. આરટીઓ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તો માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.
રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં વ્હાઈટ લાઈડ લગાડનારાઓ સામે ઝુંબેશ
જે વાહનોમાં હાઈ-બીમવાળી અથવા નિયમ વિરુદ્ધની લાઈટ જોવા મળશે, તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. વાહનમાલિકોને ૬૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં વ્હાઈટ લાઈડ લગાડનારાઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જોકે તે પહેલા આરટીઓ તંત્ર દ્વારા વ્હાઈટ લાઇટ દુર કરવા માટે તાકીદ પણ કરી હોવા છતાં વાહનચાલકોએ દુર નહીં કરતા આખરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આગમી દિવસોમાં તે યથાવત રહેવાની છે.
આ પણ વાંચો : Amreli News : ચા બનાવવા જેવી બાબતે માતા અને પુત્રએ ભેગા મળી સાવકા પિતાની હત્યા કરી









