બીજા અઠવાડિયે 20 થી 25 રૂ.નો વધારો જોવા મળ્યો છે, ત્રીજા અઠવાડિયે 30 થી 55 રૂ.નો વધારો જોવા મળ્યો છે, ભાવ વધતા ટેક્સટાઇલ ઉદ્યોગકારો ચિંતામાં છે અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ તપાસની માગ કરી છે, વધારેલા ભાવ જ લેવા યાર્ન વપરાશકારોનું દબાણ છે તેવી વાત પણ સામે આવી છે.
કેટલાક ઈમ્પોર્ટરો દ્વારા પણ વર્તમાન પરિસ્થિતિનો લાભ લઈ ભાવ વધારાયા છે
યુદ્ધની આડમાં કેટલાક યાર્ન ઉત્પાદકો દ્વારા યાર્નના ભાવમાં કૃત્રિમ રીતે તોતિંગ વધારો કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં પોલિએસ્ટર, નાયલોન અને વિસ્કોસ યાર્નના ભાવોમાં રૂ. ૩૦થી રૂ.૫૫ સુધીનો અચાનક ઉછાળો નોંધાયો છે, જે કાચા માલના ખર્ચ અથવા વૈશ્વિક બજારની પરિસ્થિતિ સાથે સુસંગત નહીં હોવાનું વીવર્સનું કહેવું છે. બજારમાં દરરોજ સવારે ‘સેલ ક્લોઝ્ડ' જેવા મેસેજ મોકલી કૃત્રિમ અછત ઊભી કરાઈ રહી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
વીવિંગ ઈન્ડસ્ટ્રીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
ઉપરાંત ઘણા ઉત્પાદકો યુદ્ધ પહેલાંના ઓછા ભાવ પર થયેલા સોદાઓનું પાલન કરવા તૈયાર નથી અને વધારેલા ભાવ પર જ માલ લેવા માટે યાર્ન વપરાશકર્તાઓને દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લૂમ્સ અને કામદારોની રોજગારીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ અને નિયંત્રણાત્મક પગલાં લેવા માગ ઉઠી છે. આ મુદ્દે સચિન ઇન્ડસ્ટ્રિયલ કો.ઓ. સોસા.એ PMથી લઈને ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે.









