પર્યાવરણના જતનને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુરતની મોરા ગામ પંચાયત વિરુદ્ધ લાલ આંખ કરી છે. મોરા ગામ દ્વારા દોલાવડી ખાડીમાં સતત ગંદુ અને ઝેરી પાણી છોડવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદને પગલે NGT એ પંચાયત સહિત રાજ્યના મહત્વના સરકારી વિભાગોને કારણદર્શક નોટિસ ફટકારી છે.
ગંદુ પાણી સીધું જ ખાડીમાં ઠાલવવામાં આવતું હતું.
લાંબા સમયથી મોરા ગામ પંચાયત દ્વારા રહેણાંક અને અન્ય ગંદુ પાણી સીધું જ ખાડીમાં ઠાલવવામાં આવતું હતું. સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ પ્રક્રિયા અટકી નહોતી. ખાડીમાં ગંદુ પાણી છોડાતા ત્યાંની જીવસૃષ્ટિ અને જળચર પ્રાણીઓ પર વિનાશક અસર થઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
કલેક્ટર અને GPCB સહિતના વિભાગોને પણ નોટિસ
NGT એ આ મામલે માત્ર પંચાયત જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર કચેરી, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) અને હજીરા નોટિફાઈડ એરિયા ઓથોરિટીને પણ પક્ષકાર બનાવી નોટિસ પાઠવી છે.
આગામી ચાર અઠવાડિયામાં વિગતવાર જવાબ માંગ્યો
ટ્રિબ્યુનલે તમામ સત્તાધીશો પાસે આગામી ચાર અઠવાડિયામાં વિગતવાર જવાબ માંગ્યો છે. જો સંતોષકારક જવાબ નહીં મળે, તો પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ મોટી પેનલ્ટી પણ ફટકારવામાં આવી શકે છે.
આ પણ વાંચો--- Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે IPL મેચ, 887 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત, કાળાબજારી કરનારા સામે પોલીસની બાજ નજર