સુરતની ઉધના પોલીસે અંદાજે ત્રણ દાયકા જૂના હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. વર્ષ 1998 માં ઉધના વિસ્તારમાં આદિકંડ ઉર્ફે આદિયા પ્રધાન નામના શખ્સે પોતાના જ મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. નવાઈની વાત એ છે કે આ સમગ્ર વિવાદ માત્ર 200 રૂપિયા જેવી નજીવી રકમ ઉછીની આપવા બાબતે થયો હતો. ફરિયાદી મિત્રએ આદિકંડ પાસે પોતાના 200 રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલા આદિકંડે મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

મિત્રતામાં ખૂની ખેલ

છેલ્લા 28 વર્ષથી ધરપકડથી બચવા માટે આરોપી પોતાનું રહેઠાણ બદલીને વતન ઓરિસ્સામાં છુપાઈને રહેતો હતો. જોકે, સુરત પોલીસની 'વોન્ટેડ' ગુનેગારોને પકડવાની ઝુંબેશ અંતર્ગત ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી પોલીસને તેના લોકેશનની જાણ થઈ હતી. ઉધના પોલીસની એક ખાસ ટીમ ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં પહોંચી હતી અને ત્યાંથી આદિકંડ ઉર્ફે આદિયા પ્રધાનને દબોચી લીધો હતો. વર્ષો જૂના આ કિસ્સામાં આરોપીની ધરપકડ થતા કાયદાકીય પ્રક્રિયા તેજ કરવામાં આવી છે અને પોલીસે આ ગુનામાં વધુ તપાસ હાથ ધરી છે.